તમે સંતો મહંતો કે અન્ય મહાપુરુષોની સમાધિ વિશે સાંભળ્યું હશે. કદાચ શ્વાન, હાથી, પક્ષી કે કપિરાજની સમાધિ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ કારની સમાધિ આપવામાં આવી હોય તેના વિશે કદાચ ન સાંભળ્યું હોય. સૌરાષ્ટ્રમાં આવો આશ્ચર્યજનક કિસ્સો બન્યો છે.
અમરેલીના લાઠી તાલુકામાં આવેલા પાડરશાંગા ગામમાં રહેતા સંજય પોલરાએ પોતાની માનીતી કારને સમાધિ આપી છે. સંજય સુરતમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા હતા. તેમણે 2013-14માં વેગન આર કાર ખરીદી હતી. તેમનું માનવું હતું કે કારના આવ્યા પછી તેમની ખાસ્સી પ્રગતિ થઇ.
હવે 10 વર્ષ કાર પહેલા જેવી કામ નહોતી આપતી. તેમણે કારને વેચવાને બદલે સમાધિ આપવાનો નિર્ણય કર્યો. કારને દુલ્હનની જેમ શણગારીને સંતો-મહંતોની હાજરીમાં સામૈયું કાઢવામાં આવ્યું અને 1500 લોકોને ભોજન કરાવવામાં આવ્યું. સંજય પોલરાએ પોતાના ખેતરમાં 12 ફુટનો ખાડો ખોદીને પોતાની માનીતી કારને સમાધિ આપી. હવે આ જગ્યાએ વૃક્ષો વાવશે.