શોલે ફિલ્મનો એ ડાયલોગ યાદ કરો, જ્યારે ગબ્બર સાંભાને પૂછે છે, ‘અરે ઓ સાંભા, સરકારે આપણા પર કેટલું ઈનામ રાખ્યું છે?’ ત્યારે સાંભા કહે છે, ‘પૂરા રૂ. 50 હજાર, સરદાર.’ અને ગબ્બર ખુશ થઈ જાય છે. ફિલ્મો સિવાય રિયલ લાઈફમાં પણ આવા ગુનેગારોની આજ વાર્તા છે. ઈનામ જાહેર થયા પછી ગુનેગારોમાં એવો અહમ જાગે છે કે, લાગે છે કે તે હવે મોટો ગુનેગાર બની ગયો છે. એટલા માટે સરકાર તેને પકડવા માટે તેમના પર ઈનામ જાહેર કરી રહી છે. પછી ધીમે ધીમે તેઓ તેમની ધાક ધમકીઓ વધારવાનું શરૂ કરે છે. પરંતુ હવે પોલીસે તેનો એવો ઉપાય શોધી કાઢ્યો છે કે, ગુનેગારો પણ કહેવા મજબૂર થઈ જશે, ‘શું ગજબની બેઇજ્જતી કરી છે, યાર.’
મામલો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. જ્યાં પોલીસે હત્યા કેસમાં સાક્ષીને ધમકી આપનાર આરોપી પર 50 પૈસાનું ઈનામ રાખ્યું હતું. હવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ દીક્ષિત હત્યા કેસ જુલાઈ 2022માં હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. આ કેસમાં પોલીસે દુર્લભ કશ્યપ અને શાનુ સાગર ગેંગના આરોપી ચયન CKની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસમાં વિકી ઉર્ફે વિક્રાંત સાક્ષી હતો. ગયા મહિને વિકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, શાનુ સાગરના મિત્ર બિટ્ટુ ગૌર અને શાનુ સાગરના નાના ભાઈ રોહન સાગરે તેને ઘરે આવીને જુબાની ન આપવાની ધમકી આપી હતી. આ બંને આરોપીઓએ વિકીને તેના ઘર નજીક બાઇક પર જઇને ધમકી આપી હતી.
આ પછી પોલીસે રોહન સાગરની તો ધરપકડ કરી લીધી હતી, પરંતુ બિટ્ટુ ગૌર ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી પોલીસે તેના પર 50 પૈસાનું ઈનામ જાહેર કર્યું હતું. હવે પોલીસે ઈન્દોરના ગાંધી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક ઘરમાં દરોડા પાડીને તેની ધરપકડ કરી છે. ધરપકડથી બચવા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે આરોપી ઘરની બાલ્કનીમાંથી કૂદી ગયો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. હાલ પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
DSP વિનોદ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, અનિલ દીક્ષિત હત્યા કેસના સાક્ષીને ધમકી આપનાર ફરાર આરોપી બિટ્ટુ ગૌરની ધરપકડ પછી પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તેમણે કહ્યું કે, પોલીસના દરોડા દરમિયાન મહત્વની માહિતી સામે આવી છે. પોલીસને જાણવા મળ્યું કે બિટ્ટુ ગૌર તેની ધરપકડથી બચવા માટે ગાંધી નગર વિસ્તારમાં એક વ્યક્તિના ઘરમાં છુપાઈ ગયો હતો. આ વ્યક્તિએ બિટ્ટુને આશ્રય આપ્યો હતો અને તેને પોલીસથી બચવામાં મદદ કરી હતી, તેથી તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.
આરોપીને ચાર હેડ કોન્સ્ટેબલોએ ઘેરી લીધો હતો અને ત્યાર પછી તેને પકડ્યો હતો. હવે સવાલ એ છે કે, આરોપી પર 50 પૈસાનું ઇનામ આ પોલીસકર્મીઓમાં કેવી રીતે વહેંચવામાં આવશે? નિયમ કહે છે કે, પુરસ્કાર સમગ્ર ટીમ વચ્ચે એક સરખી રીતે વહેંચવામાં આવશે. આ મુજબ 50 પૈસાના ઈનામમાંથી 4 પોલીસકર્મીઓમાં દરેકને 12.50 પૈસા મળશે.