fbpx

પહેલા ખૂબ ઝટકા આપ્યા, હવે આ 5 દિવસમાં બજાર 2700 પોઈન્ટ્સ કેમ વધ્યું? જાણો કારણ

દલાલ સ્ટ્રીટ પર હાલમાં તેજીનો માહોલ છે. બજારમાં ઉત્સાહ છવાયેલો છે. વિદેશી રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. નબળા ત્રિમાસિક પરિણામો અને GDP ડેટા છતાં બજાર ઉપર જઈ રહ્યું છે. આ તેજી પાછળ ઘણા કારણો છે. તેમાં FIIનું વળતર, US બજારોમાં વધારો અને ભારતમાં આર્થિક સુધારાની અપેક્ષાઓનો સમાવેશ થાય છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે, બજાર હજુ વધુ ઉપર જઈ શકે છે. આવો, આવેલી આ તેજીની આખી વાર્તા અહીં વિગતવાર સમજીએ.

છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 82,000ની સપાટીએ પહોંચી ગયો છે. BSEના આ સંવેદનશીલ ઇન્ડેક્સમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 2700થી વધુ પોઈન્ટ્સનો વધારો થયો છે. નિફ્ટી પણ 24,700ની ઉપર છે. આ ઉછાળો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી શરૂ થયો હતો. FII આ તેજીને આગળ વધારી રહ્યું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વેચવાલી પછી FIIએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં આશરે રૂ. 13,900 કરોડનું રોકાણ કર્યું છે.

નિષ્ણાતોના મતે FIIનું ખરીદદાર બનવું બજાર માટે હકારાત્મક છે, ખાસ કરીને લાર્જ કેપ્સ માટે. બેન્કિંગ શેરોમાં મજબૂતાઈ બેન્ક નિફ્ટીને ઓલ ટાઈમ હાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી નિફ્ટીને પણ ઉપર જવામાં મદદ મળી શકે છે.

અમેરિકન બજારોમાં ઉછાળાની ભારતીય બજાર પર પણ સકારાત્મક અસર જોવા મળી છે. ફેડ ચીફ જેરોમ પોવેલના નિવેદનથી અમેરિકી બજારોમાં ઉત્સાહ વધ્યો છે. પોવેલે કહ્યું કે, અર્થતંત્ર નોંધપાત્ર રીતે સારી સ્થિતિમાં છે. આ નિવેદન પછી, ડાઉ જોન્સ પ્રથમ વખત 45,000ની ઉપર બંધ થયો.

એક્સિસ સિક્યોરિટીઝના નીરજ ચડાવરના જણાવ્યા અનુસાર, ‘અમે માનીએ છીએ કે, ભારતીય અર્થતંત્ર વૃદ્ધિના ઉત્તમ તબક્કામાં છે. અસ્થિર વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે તે સ્થિરતાનું કેન્દ્ર બનેલું છે. અમારું અનુમાન છે કે, નિફ્ટીની કમાણી નાણાકીય વર્ષ 2023-27માં 14 ટકાના પ્રભાવશાળી CAGR પર વધશે.’ એક્સિસ સિક્યોરિટીઝે આગામી 12 મહિનામાં નિફ્ટી માટે 26,100નો ટાર્ગેટ રાખ્યો છે. જ્યારે તેજીના કિસ્સામાં તે 28,700 સુધી જઈ શકે છે.

નબળા GDP ડેટા પણ બજારને આશા આપે છે કે, RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં CRRમાં ઘટાડો કરી શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે, જો FII ખરીદી ચાલુ રાખશે તો, નિફ્ટી વધુ ઉપર જઈ શકે છે. બે અઠવાડિયા પહેલા દલાલ સ્ટ્રીટ મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું. હવે નિફ્ટી તેની 26,277ની સર્વકાલીન ઊંચી સપાટીથી માત્ર 6 ટકા દૂર છે. બજારનો મૂડ પણ ‘સેલ-ઓન-રાઇઝ’થી ‘બાય-ઓન-ડિપ’માં બદલાઈ ગયો છે.

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના સંદીપ ટંડન કહે છે, ‘નવેમ્બર માટે સેવાઓના PMI ડેટામાં સ્થિરતા ફુગાવો વધવા છતાં વ્યવસાયિક પ્રવૃત્તિમાં સ્થિરતા દર્શાવે છે. અમારું માનવું છે કે, બજાર સુધરવાની ક્ષમતા ધરાવે છે. ધીમે ધીમે તે આ બિંદુથી ઉપર વધશે. અમે જોઈ રહ્યા છીએ કે, ધારણાઓ નકારાત્મક થઈ રહી છે. ઘણા વિભાગો ઉપેક્ષિત વિસ્તારમાં આવી ગયા છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં અમારા પરિપ્રેક્ષ્યમાં, બજારોમાં સર્જનાત્મક બનવાનો અને બજારના અમુક સેગમેન્ટમાં પસંદગીપૂર્વક પોઝિશન બનાવવાનો હવે યોગ્ય સમય છે. તેમાં ઝડપથી સ્વસ્થ થવાની ક્ષમતા છે.’

ઐતિહાસિક બજારની પેટર્ન પણ દર્શાવે છે કે, ડિસેમ્બર બજાર માટે તેજીનો મહિનો રહ્યો છે. છેલ્લા 24 વર્ષમાં, ડિસેમ્બર મહિનો 71 ટકા સકારાત્મક રહ્યો છે. બજાજ બ્રોકિંગનું વિશ્લેષણ સૂચવે છે કે, નિફ્ટી 24,800 અને 25,200ની વચ્ચેના સ્તરને સ્પર્શી શકે છે.

સ્થાનિક શેરબજારમાં વધારો ગુરુવારે સતત પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. BSE સેન્સેક્સ 809 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. જ્યારે, NSE નિફ્ટી વધીને 24,700ની પાર થઈ ગયો. US માર્કેટમાં તેજી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના મૂડીપ્રવાહ વચ્ચે IT કંપનીઓના શેરમાં ખરીદીને કારણે બજાર ઉછળતું રહ્યું હતું. BSE સેન્સેક્સ 809.53 પોઈન્ટ અથવા એક ટકાના ઉછાળા સાથે 81,765.86 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે વધીને 1,361.41 પોઈન્ટ સુધી પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 240.95 પોઈન્ટ અથવા 0.98 ટકાના વધારા સાથે 24,708.40 પોઈન્ટ પર બંધ થયો હતો.

નોંધ: ઝડપથી બદલાતી શેરબજારની સ્થિતિને કારણે, રોકાણકારોએ તેમના નાણાકીય રોકાણ અંગે નિર્ણય લેતા પહેલા શેરબજારના નિષ્ણાત સલાહકારની મદદ લેવી જોઈએ.