ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા યોગ્ય સમયે પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેશે, જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે વિરાટ કોહલીનું ભવિષ્ય શુભમન ગિલની રમત પર ટકેલું રહેશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની સમીક્ષા બેઠકમાં BCCI રોહિત અને વિરાટ પ્રત્યે કડક દેખાયું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેમના પ્રદર્શન માટે રોહિત અને કોહલીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમની કારકિર્દી પર પ્રશ્નો ઉભા થયા હતા, કારણ કે બંને 35 વર્ષથી વધુ ઉંમરના છે. જો ગિલ સારું ફોર્મ બતાવે અને મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળે, તો વિરાટ કોહલીને પડતો મૂકી શકાય છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, BCCIની સમીક્ષા બેઠકમાં કોહલી અને રોહિતના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, રોહિત, અજિત અગરકર, BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા અને ICC પ્રમુખ જય શાહનો સમાવેશ થતો હતો. ICC પ્રમુખને આ બેઠકમાં એટલા માટે બોલાવવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ન્યુઝીલેન્ડ સામેની હાર પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ભારતને તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો, જે તાજેતરના સમયમાં તેમની સૌથી મોટી હારમાંની એક હતી.
રિપોર્ટ અનુસાર, BCCI અધિકારીઓએ રોહિત અને કોહલી અંગે નિર્ણય લેવાની જવાબદારી અગરકર અને તેની ટીમ પર છોડી દીધી છે. તે રોહિતના ટેસ્ટમાં ઘટતા પ્રદર્શનથી ચિંતિત છે. રોહિતે છેલ્લા આઠ ટેસ્ટ મેચમાં ફક્ત 164 રન બનાવ્યા છે, જેમાં ફક્ત એક અડધી સદીનો સમાવેશ થાય છે. આમાંથી, તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી પાંચ ઇનિંગ્સમાં 31 રન બનાવ્યા, જ્યાં તેની સરેરાશ ફક્ત 6.2 હતી.
એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘આનો અર્થ એ નથી કે, રોહિતનું ‘હું ક્યાંય જવાનો નથી’ એવું નિવેદન આખરે સાચું સાબિત થશે. પસંદગીકારો રોહિતના ટેસ્ટમાં ઘટતા ગ્રાફ અંગે ચિંતિત છે, પરંતુ એ સમજી શકાય છે કે, કેપ્ટનશીપ અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. રોહિત પોતે જાતે જ યોગ્ય નિર્ણય લેશે.’
પર્થમાં એક સદી સિવાય, કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફક્ત 90 રન જ બનાવ્યા, જેના કારણે આ પ્રવાસ તેના માટે યાદગાર ન રહ્યો. ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી હજુ પાંચ મહિના દૂર છે, તેથી પસંદગીકારો આ બાબત પર વિચાર કરતા પહેલા કોઈ એક અભિપ્રાય બનાવે તેવી શક્યતા છે. શુભમન ગિલ હજુ સુધી કોહલીની ભૂમિકામાં ફિટ થઈ શક્યો નથી. તે હજુ એ સ્તરની નજીક પણ નથી કે જ્યારે સચિન તેંડુલકર નિવૃત્તિ લેતી વખતે વિરાટ કોહલી જે સ્તર પર તૈયાર હતો.