આપણે અવાર-નવાર એવી વાતો સાંભળીએ છીએ કે કોઈ મોટા માથાએ પોતાના પરિવારના લગ્નમાં આખાને આખા રસ્તાઓ બ્લોક કરી દેતા હોય છે. મોટા મોટા મંડપ બનાવીને રસ્તાઓ પર દબાણ કરી દેતા હોય છે, પણ તમે ક્યારેય નદી પર દબાણ કરી દીધું હોય એવું સાંભળ્યું છે? તમે ભલે ન સાંભળ્યું હોય પણ સુરતમાં તો આ કરી દેવામાં આવ્યું છે. સુરતના મોટા બિલ્ડર લવજી દાળિયા જેમને લવજી બાદશાહના નામે ઓળખવામાં આવે છે, તેમણે પોતાના પુત્રના લગ્નમાં તાપી નદી પર જ દબાણ કરીને સ્ટેજ બનાવી દીધું હતું.
લવજી બાદશાહના પુત્રના લગ્નમાં ભવ્ય સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું, આ લગ્ન પ્રસંગ લવજી બાદશાહના જ ગોપીન ફાર્મ પર યોજવામાં આવ્યો હતો, જેમાં લગ્નનો એક સ્ટેજ તાપી નદી પર બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ શું આવું કરી શકાય? તો જવાબ છે ના. આ એક ગંભીર ઘટના છે, જેમાં તાપી નદીને નુકસાન થયું છે. આ માટે સરકારના કોઈ નેતા કે તંત્રનું કોઈ વ્યક્તિ બોલવા કંઈ તૈયાર નથી, પરંતુ આ મામલો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાય તેવી ચર્ચા ચાલી રહી છે.
બિલ્ડર લવજી દાળિયા ઉર્ફે બાદશાહે પોતાના પુત્રના લગ્ન ઠાઠમાઠથી કરવા અને શહેરમાં વાહવાહી થઈ જાય તેવું કરવા માટે નિયમોને નેવે મૂકી દીધા હતા. પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરવા માટે જાણીતા બનેલા બાદશાહે પોતાની પ્રતિષ્ઠાની ધાક જમાવવા અને પોતાની પાસે અઢળક સંપત્તિ હોવાનું બતાવવા માટે તાપી નદીના કિનારે મંચ તૈયાર કરીને તેના પર સમારોહ આદર્યો હતો.
સુરતનું વહીવટી તંત્ર નદીનો કિનારો તો છોડો તેના પાળા પર પણ કોઈ દબાણ કરે છે તો તેને છોડતું નથી અને આકરો દંડ વસુલ કરે છે. નિયમોની ધાક બતાવીને મ્યુનિસિપલ તંત્ર સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાનું કહીને અને જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તેવા મંદિર અથવા મસ્જિદને પણ હટાવી દે છે. પરંતુ પોતાને શહેરના ‘બાદશાહ’ ગણતા એવા લવજીભાઈને માટે સુરતનું સરકારી તંત્ર જાણે તેની જી હજુરી કરતું હોય એવું લાગી રહ્યું છે.
લવજી ‘બાદશાહ’ના આ દરબારમાં શાસક અને વિપક્ષ બંને પક્ષના નેતાઓ પણ લગ્નની મહેફિલ માણવા પહોંચી ગયા હતા, પણ કોઈની હિંમત નથી કે એક સવાલ ઉઠાવી શકે.
આવા સંજોગોમાં તાપી નદીના કિનારે ઉભા કરાયેલા આ લગ્નના મંચના મામલે કોઈ જાગરૂક અને હિંમતવાન નાગરિક દ્વારા જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)માં ફરિયાદ થઇ શકે એમ છે.