ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી મળેલી હાર અને પછી ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કરમાં નિષ્ફળતા પછી ઘણા ખેલાડીઓનું ભવિષ્ય હવે જોખમમાં મુકાયું છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આશાઓ લગભગ ખતમ થઈ ગઈ છે જ્યારે વિરાટ કોહલીની કારકિર્દી પણ અધ્ધર લટકી રહી છે. આવું એટલા માટે, કારણ કે ટીમ ઈન્ડિયાને હવે જુલાઈમાં ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં, જો રોહિત અને વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવામાં સફળ થાય છે, તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.
વિરાટ કોહલી અને રોહિત શર્મા અંગે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડ માને છે કે, હવે આ બંને ખેલાડીઓ માટે ટેસ્ટ ટીમમાં વાપસી કરવી ખૂબ મુશ્કેલ લાગી રહી છે. વિરાટ કોહલી માટે પાછલું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું, તેણે ફક્ત 24ની સરેરાશથી ફક્ત 414 રન બનાવ્યા. આ કારણોસર, લોયડ માને છે કે વિરાટ કોહલીની કારકિર્દી હવે જોખમમાં છે. આવી સ્થિતિમાં, હવે ગૌતમ ગંભીર અને અજિત અગરકરે નવા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ શોધવા પડશે.
એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા ડેવિડ લોયડે કહ્યું, વિરાટ કોહલી જાણે છે કે તે પોતાનું શ્રેષ્ઠ આપી ચુક્યો છે. જો વિરાટ કોહલી ઈંગ્લેન્ડ આવે છે, તો તેને ખબર છે કે તે ક્યાં હશે. ઑફ સ્ટમ્પની બહાર અને બિઝનેસ એરિયા સ્લિપ હશે. ૩૬ વર્ષની ઉંમરે, વિરાટ જાણે છે કે તેણે શું કરવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે પસંદગીકારોએ કઠોર નિર્ણયો લેવા પડશે. વિરાટ મેં જોયેલા મહાન ખેલાડીઓમાંનો એક છે, પરંતુ તેનો સમય હવે પૂરો થઈ ગયો છે.
તેમણે કહ્યું, ‘જ્યારે તમે મહાન ક્રિકેટરો વિશે વાત કરો છો, ત્યારે એક વસ્તુ જે બીજા લોકો પાસે નથી હોતી તે છે સમય. તેમનો જે સમય હતો તે ગયો. તે ઉંમર સાથે આવે છે. બધા તમને કહે છે કે તમારે શું કરવાની જરૂર છે. જેમ કે બોલ છોડીને અંત સુધી જોતા રહેવું, પણ તેમ છતાં જો તમે વારંવાર એ જ ભૂલનું પુનરાવર્તન કરો છો તો એ સંકેત છે કે તમારો સમય હવે પૂરો થઈ ગયો છે.
ડેવિડ લોયડ માને છે કે, જો કોહલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઇંગ્લેન્ડ જાય છે, તો તેણે ચોથા નંબર પર બેટિંગ ન કરવી જોઈએ. શ્રેયસ ઐયર ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે અને KL રાહુલ, રોહિતના ગયા પછી ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિષભ પંતને નંબર 5 પર પોતાનું સ્થાન મળી ગયું હોય તેવું લાગે છે અને શુભમન ગિલ નંબર 3 પર રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
આ ઉપરાંત, ડેવિડ લોયડ માને છે કે, ભારતીય ટીમ પરિવર્તનના તબક્કામાં પ્રવેશ કરી ચુકી છે. આવી સ્થિતિમાં, અગરકરના નેતૃત્વ હેઠળની BCCI પસંદગી સમિતિએ હવે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ અને શક્ય તેટલા નવા ખેલાડીઓને તક આપવી જોઈએ, જેથી ભારતીય ટીમ ભવિષ્ય માટે પોતાને તૈયાર કરી શકે.