

આજે શુક્રવારે સવારથી પાટીદાર અનામત આંદોલન ફરી ચર્ચામાં આવી ગયું છે. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પોષ્ટમાં સરકારનો આભાર માનીને કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ અને રાયોટીંગ સમયના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જો કે સરકાર તરફથી સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પ્લેટફોર્મ અને એક વીડિયોમાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં જેમની તપાસ અને ચાર્જશીટ પુરી થઇ ગઇ છે તેવા 9 કેસો પાછા ખેંચવાનો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિર્ણય લીધો છે.
પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ થયા પછી સરકારે નિર્ણય લીધો છે. આ આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિત અનેક લોકો સામે કેસ થયા હતા.

