

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોને રી-રીલિઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન, ઘણી ફિલ્મો ફરીથી રી-રીલિઝ કરવામાં આવી પરંતુ તેમાંથી માત્ર કેટલીક જ ફિલ્મો ફરી પોતાનો જાદૂ કરી શકી હતી. ફિલ્મ ‘લૈલા મજનૂ’ જે વર્ષ 2018માં બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. તે ફરીથી રીલિઝ થયા પછી, તે ખૂબ જ સફળ બની હતી. હવે 2016માં આવેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ પણ ફરીથી રીલિઝ થઈ છે.


લગભગ 9 વર્ષ પછી, અભિનેતા હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનની ફિલ્મ ફરીથી રીલિઝ થઈ છે. જેમણે આવતાની સાથે જ પોતાનો જાદુ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. તેની ફિલ્મ અગાઉ ફ્લોપ રહી હતી તો હવે માનવામાં આવી રહ્યું છે કે તે હિટ સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ‘સનમ તેરી કસમ’એ રી-રીલિઝના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 4.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અને હવે સમાચાર છે કે ફિલ્મે બીજા દિવસે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.
ફિલ્મે શનિવારે લગભગ 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેના કારણે રી-રીલિઝ બાદ તેનું કુલ કલેક્શન 9.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મ જ્યારે 2016માં રીલિઝ થઈ ત્યારે તેણે પહેલા દિવસે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અને હવે માત્ર 2 દિવસમાં ફિલ્મના રી-રીલિઝ પછી તેના લાઈફટાઈમ કલેક્શનના અડધાથી વધુ કમાણી કરી લીધી છે.

ફિલ્મની લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે ફિલ્મને OTT પર રીલિઝ કરવામાં આવી. તેની દર્દભરી કહાનીએ બધાને ઈમ્પ્રેસ કર્યા હતા. અને હવે જ્યારે ફિલ્મોની રી-રીલિઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે લોકોએ અભિનેતા હર્ષ વર્ધનને સોશિયલ મીડિયા પર ટેગ કરવાનું શરૂ કર્યું છે. તેઓએ અભિનેતાને વિનંતી કરી કે તેઓ ફિલ્મને ફરીથી રિલીઝ કરાવે.
દર્શકોની જોરદાર પ્રતિક્રિયા જોઈને હર્ષવર્ધને ફિલ્મના નિર્માતાનો સંપર્ક કર્યો. જ્યાં તેણે લોકોની અપીલને નિર્માતા સમક્ષ મૂકી અને ફિલ્મને ફરીથી રીલિઝ કરવાની માંગ કરી. તેણે નિર્માતાને વિનંતી કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ ફરીથી રીલિઝ થવી જોઈએ, લોકો આ વખતે ફિલ્મ ચોક્કસ જોશે.

આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ફિલ્મના પ્રોડ્યુસર દીપક મુકુટ પોતાની ઓફિસમાંથી બહાર આવીને ફિલ્મની રી-રીલિઝની વાત કરતા જોવા મળે છે. હવે ‘લૈલા મજનુ’, ‘તુંબાડ’ પછી સનમ તેરી કસમ પણ સફળતા તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ ફરીથી રીલિઝ થયા પછી કેટલું કલેક્શન કરી શકે છે.


