fbpx

ખંડેર ગાઝાને ખરીદવા માગે છે ટ્રમ્પ, શું વેચાશે? નવું બનાવામાં કેટલો ખર્ચ થશે?

Spread the love

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝા ખરીદવા અને પેલેસ્ટિનિયનોને અન્યત્ર વિસ્થાપિત કરવાની વાતો કરતા રહે છે. અને હવે તેમણે ખરેખર તેના માટે તૈયારી કરી લીધી છે. ટ્રમ્પે ખંડેર બની ગયેલા ગાઝા માટે એક બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી લીધી છે. તેમનું કહેવું છે કે, તેઓ ગાઝા પર માલિકી હક મેળવવા માંગે છે. તેમજ તેઓ તેના પુનર્નિર્માણમાં મધ્ય પૂર્વના કેટલાક દેશોનો પણ સમાવેશ કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું, ‘અમે ગાઝા પર સંપૂર્ણ માલિકી માટે પ્રતિબદ્ધ છીએ. અમે તે ખાતરી કરીશું કે હમાસ ફરીથી અહીં પગ ન મૂકી શકે.’ તેમણે કહ્યું કે, તેઓ ગાઝા યોજનાથી પાછળ હટવાના નથી. આ ખંડેર વિસ્તારને તોડીને ફરીથી બનાવવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન નેશનલ ફૂટબોલ લીગ સુપર બાઉલ ચેમ્પિયનશિપમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આપ્યું હતું.

ટ્રમ્પ કહે છે કે, ગાઝાને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવશે અને પુનર્નિર્માણ ખૂબ જ જોશથી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું, ‘આપણે ગાઝાને મધ્ય પૂર્વના રિવેરિયામાં પરિવર્તિત કરીશું.’ જોર્ડન, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોએ ટ્રમ્પના ગાઝા ખરીદવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. પ્રશ્ન એ છે કે ઇઝરાયલી હુમલાને કારણે ખંડેર બની ગયેલા ગાઝાને ફરીથી બનાવવા માટે કેટલો ખર્ચ થશે?

આ સમય દરમિયાન, કેટલાક પેલેસ્ટિનિયન શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવાની શક્યતા વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે તેના પર વિચાર કરીશું. કેટલાક પેલેસ્ટિનિયન શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશ મળી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઘણા મહિનાઓથી ગાઝાનો અભ્યાસ કર્યો છે. તેનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે શું છે? ત્યાં ફક્ત કાટમાળ જ છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવવા અને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવાની જવાબદારી લઈશું, તેમજ સ્થળને સમતળ કરીશું અને નાશ પામેલી ઇમારતોનો કાટમાળ દૂર કરીશું.

આ દરમિયાન, હમાસના રાજકીય બ્યુરોના સભ્ય ઇઝ્ઝત અલ-રશ્કે ટ્રમ્પની ગાઝા ખરીદવાની યોજના પર કહ્યું કે, ગાઝા ખરીદવા કે વેચવા જેવી મિલકત નથી. તે પેલેસ્ટિનિયન ભૂમિનો અભિન્ન ભાગ છે. પેલેસ્ટિનિયનો ટ્રમ્પની આ યોજનાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવશે.

સંયુક્ત રાષ્ટ્રના મતે, ગાઝાના પુનઃનિર્માણમાં 1.2 બિલિયન ડૉલરનો ખર્ચ આવી શકે છે. જ્યારે, ઇઝરાયલી હુમલા પછી આ વિસ્તારમાં ફેલાયેલા 50 ટન કાટમાળને દૂર કરવામાં 21 વર્ષ લાગી શકે છે. કાટમાળ નીચે કેટલાક માનવ મૃતદેહો પણ દટાયેલા હોઈ શકે છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાટમાળની અંદર હજારો લોકો ફસાયેલા હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મતે, ગાઝામાં થયેલા વિનાશને કારણે તે 69 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. ગાઝામાં કાટમાળમાં ફેરવાયેલા ઘરોને ફરીથી બનાવવામાં 2040 સુધીનો સમય લાગી શકે છે.

error: Content is protected !!