
મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. થોડા દિવસો અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની એક ટીમ ઓચિંતી તપાસ માટે બેંક પહોંચી હતી. આ તપાસ દરમિયાન બેંકની તિજોરીમાં રહેલી રોકડ અને બુક ઓફ એકાઉન્ટ્સમાં જમા થયેલી રોકડની માહિતી મેચ થતી નહોતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેંક લોકરમાંથી કુલ 122 કરોડ રૂપિયા ગાયબ હતા. આ બેંકના હેડ ઓફ એકાઉન્ટ્સ હિતેશ મહેતા હતા. આ મામલો સામે આવ્યા બાદ જ્યારે RBIએ પૂછપરછ શરૂ કરી ત્યારે હિતેશ મહેતાએ પૈસાની ઉચાપત કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, તરત જ આ ઉચાપતની માહિતી EOWને આપવામાં આવી અને દાદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો. હાલમાં RBIએ બેંકના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે.

આરોપીઓએ કોવિડકાળ દરમિયાન ધીરે-ધીરે બેંકની તિજોરીમાંથી પૈસા ઉપાડવાનું ચાલું કર્યું હતું. તે છેલ્લા 5 વર્ષથી તિજોરીમાંથી પૈસા ઉપાડી રહ્યો હતો. આ ઉચાપતમાં હિતેશને કોણે સાથ આપ્યો? હિતેશ સાથે અન્ય કોઈ કર્મચારી મળેલા છે? હિતેશે 122 કરોડ રૂપિયાનું શું કર્યું? હિતેશે ઉચાપત કરાયેલા પૈસા કોને-કોને આપ્યા? આવા ઘણા સવાલ છે જેની પોલીસ તપાસ કરી રહી છે. ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના GM હિતેશ મહેતા સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેના પર 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. EOW આ પણ બાબતની તપાસ કરી રહી છે. હાલમાં હિતેશનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

બેંક GMના ઘરે દરોડા
આ જ કેસમાં EOWએ હિતેશ મહેતાના દહિસરવાળા, NL કોમ્પ્લેક્સની આર્યવ્રત સોસાયટીના ઘરે દરોડા પાડ્યાં હતા. આર્યવ્રત સોસાયટીના 14મા માળે EOWના દરોડા ચાલી રહ્યા છે. આ દરમિયાન મુંબઈની દહિસર પોલીસ પણ ત્યાં હાજર છે. હિતેશ મહેતા હાલમાં ન્યૂ ઈન્ડિયા બેંકના જનરલ મેનેજરના પદ પર કાર્યરત છે. હિતેશ મહેતા પર 122 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે, ત્યારબાદ EOWએ દરોડા પાડ્યાં હતા. દરોડા બાદ આરોપી હિતેશ મહેતાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને હિતેશની પૂછપરછ માટે EOW હેડક્વાર્ટરમાં લઇ જવામાં આવ્યો છે.