

સુરત એવું શહેર રહ્યું છે કે જ્યાં શાંતિપ્રિય વેપારી લોકો રહેતા હતા જેઓ આજે મૂળ સુરતી લોકો તરીકે ઓળખાય છે. સમયાંતરે સુરત શહેરમાં વિવિધ પ્રાંત-પ્રદેશમાંથી લોકો વેપાર કરવા આવ્યા અને સુરતમાં સ્થાયી થયા. આજે સુરતમાં એવી પરિસ્થિતિ છે કે મૂળ સુરતીઓ પાસે સુરતની આજની મુખ્ય ઓળખ એવા હીરા ઉદ્યોગ અને કપડા ઉદ્યોગ બેમાંથી એકપણ ઉદ્યોગમાં નોંધનીય હિસ્સો નથી. તેમનો મૂળ ઉદ્યોગ આજે મરણપથારી જેવા સંજોગોમાં છે, જે એક ચિંતાનો વિષય છે. સૌને આવકાર આપનારો આ સુરતી સમાજ વ્યાપારી દૃષ્ટિએ તો પાછળ રહ્યો જ છે પણ રાજકીય રીતે પણ આજે અસ્તિત્વ માટે જૂઝવાની સ્થિતિમાં આવી ગયેલો જણાય છે.
ગુજરાતના રાજકારણમાં હાલ ભાજપની અવિરત વિજયપતાકા લહેરાય રહી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મરણશૈયા પર હોય અને અસ્તિત્વ માટે મરણિયા પ્રયાસો કરતા હોય તેવી સ્થિતિમાં છે. આ રાજકીય સમીકરણોમાં સુરત શહેરમાં સતત પક્ષ કે અન્ય પક્ષોમાં મૂળ સુરતી નેતૃત્વની હાજરી ખૂબ જ ઓછી જણાય રહી છે અને જે છે તે પણ હાંસિયામાં હોય એવી સ્થિતિમાં છે. ચૂંટાયેલી પાંખ હોય કે પક્ષના શહેરના સંગઠનની જવાબદારી હોય, સુરતના મૂળ સુરતીઓની નોંધનીય ભૂમિકા હાલ જણાતી નથી. વાત અહીં સુધી મર્યાદિત નથી રહેતી; મૂળ સુરતીઓના સ્થાનિક પ્રશ્નોની રજૂઆતોને પણ અગત્યતા આપવામાં આવતી હોય તેવું જણાતું નથી.

મૂળ સુરતી એવા ચૂંટાયેલા ધારાસભ્યો માત્ર ધારાસભ્ય જ રહ્યા છે અને તેઓ રાજનીતિના હાલના સમીકરણોમાં કોઈ ખાસ ભૂમિકામાં નથી. વાત કરીએ સંગઠનની, તો હાલમાં જ સત્તાપક્ષના સુરતના સંગઠન અધ્યક્ષની નિમણૂક થઈ, તેમાં પણ સુરતીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. મૂળ સુરતી રાજકીય કોઠાસૂઝ ધરાવનારા અનુભવી લોકોને સાવ હાંસિયામાં ધકેલી દીધાની લાગણીઓ હાલ ચર્ચામાં છે. ભૂતકાળમાં મૂળ સુરતી ધારાસભ્યો અને સાંસદોએ સત્તાની ધુરા સંભાળી ત્યારે કુશળતાથી કામ કર્યું હતું, જે એક નોંધનીય બાબત છે. પરંતુ આજના સમયમાં મૂળ સુરતી કાર્યકર્તાઓની રાજકીય પક્ષો અવગણના કેમ કરી રહ્યા છે, એ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
રાજકીય દૃષ્ટિએ સામાજિક પ્રતિનિધિત્વનું સંતુલન રાજકીય પક્ષો માટે એક અગત્યનું સમીકરણ બની રહે છે. હવે જોવાનું રહ્યું કે રાજકીય રીતે પીઢ સુરતી આગેવાનોને રાજકીય પક્ષો ક્યારે અને કેટલું મહત્ત્વ આપી એમનું યોગદાન લેશે.
સુરતી સમાજે ઐતિહાસિક રીતે સુરતને વેપારનું કેન્દ્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સમાજની ઉદારતા અને સૌને સ્વીકારવાની વૃત્તિએ સુરતને વૈશ્વિક નકશા પર એક અનોખી ઓળખ અપાવી છે. પરંતુ આજે આ જ સમાજ પોતાની ઓળખ અને હક્કો માટે સંઘર્ષ કરી રહ્યો છે. વ્યાપારી રીતે પાછળ રહી જવું એ તો એક પાસું છે પરંતુ રાજકીય રીતે પણ તેમની અવગણના થવી એ સુરતના સામાજિક સંતુલન માટે ખતરારૂપ બની શકે છે. મૂળ સુરતીઓની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને તેમને રાજકીય પ્રવાહમાં સામેલ કરવા માટે ખાસ પગલાં લેવાની જરૂર છે.

એક સમયે સુરતના મૂળ રહેવાસીઓએ શહેરના વિકાસમાં પોતાનું તન, મન અને ધન લગાવ્યું હતું. તેમની મહેનતના પરિણામે જ સુરત આજે ગુજરાતનું આર્થિક એન્જિન ગણાય છે. પરંતુ આજે તેમની આ મહેનતનું મૂલ્ય ઓછું થતું જણાય છે. રાજકીય પક્ષોએ મૂળ સુરતીઓના અનુભવ અને કુશળતાનો લાભ લઈ, તેમને નેતૃત્વની તકો આપવી જોઈએ. આ નહીં થાય તો શહેરના સામાજિક તાણાવાણામાં અસ્થિરતામાં વધારો થવાની શક્યતા છે જે લાંબા ગાળે સુરતના વિકાસને અસર કરી શકે છે.
સુરતી સમાજના યુવાનોને રાજકારણમાં આગળ લાવવું એ પણ એક મહત્ત્વનું પગલું હોઈ શકે. આજના યુવાનોમાં શિક્ષણ અને જાગૃતિનું પ્રમાણ વધ્યું છે, અને તેઓ પોતાના સમાજના પ્રશ્નોને વધુ સારી રીતે રજૂ કરી શકે છે. રાજકીય પક્ષોએ આવા યુવાનોને પ્રોત્સાહન આપી, તેમને સંગઠનમાં સ્થાન આપવું જોઈએ. આનાથી નવી પેઢીમાં મૂળ સુરતી ઓળખ જળવાઈ રહેશે અને રાજકીય રીતે પણ તેઓ મજબૂત બનશે.
વધુમાં સુરતી સમાજના સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે મૂળ સુરતી નેતાઓને આગળ લાવવામાં આવે તો તેઓ પોતાના સમાજની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકશે અને તેના ઉકેલ માટે કામ કરશે. ઉદાહરણ તરીકે સુરતના પરંપરાગત ઉદ્યોગોને પુનર્જન્મ આપવા માટે સરકારી યોજનાઓ અને સહાયની જરૂર છે જેની રજૂઆત મૂળ સુરતી નેતાઓ જોરદાર રીતે કરી શકે.
આજે સુરતની વસતીમાં મોટો હિસ્સો બહારથી આવેલા લોકોનો છે જેમણે શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પરંતુ આનો અર્થ એ નથી કે મૂળ સુરતીઓનું યોગદાન ભૂલાઈ જવું જોઈએ. રાજકીય પક્ષોએ આ બાબતે સંતુલન જાળવવું જરૂરી છે. જો મૂળ સુરતીઓને રાજકીય અને આર્થિક રીતે સશક્ત નહીં કરવામાં આવે, તો શહેરની સામાજિક એકતા પર અસર પડી શકે છે.
ભવિષ્યમાં સુરતી સમાજનું રાજકીય સ્થાન મજબૂત કરવા માટે એક સંગઠિત પ્રયાસની જરૂર છે. આ માટે સમાજના આગેવાનોએ પણ પોતાની એકતા દર્શાવી પોતાના હક્કો માટે અવાજ ઉઠાવવો જોઈશે.
રાજકીય પક્ષોને પણ આ વાતની તકેદારી રાખવી જોઈએ કે મૂળ સુરતીઓની ઉપેક્ષા લાંબા ગાળે તેમની રાજકીય સફળતા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આખરે સુરતનો વિકાસ ત્યારે જ સાચા અર્થમાં પૂર્ણ થશે જ્યારે તેના મૂળ નિવાસીઓને તેમનું યોગ્ય સ્થાન મળશે.