

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું નથી. ટીમે 4 મેચ રમી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. CSK 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે, તેનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન વિવાદોમાં ફસાઈ ગયો છે. અશ્વિન તેની યુટ્યુબ ચેનલને કારણે સમાચારમાં છે. સોશિયલ મીડિયા પરના હોબાળાને કારણે તેમણે એક મોટો નિર્ણય લીધો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓની ટીકા પછી સોશિયલ મીડિયા પર થયેલા હોબાળાને કારણે, અશ્વિન IPL 2025 સીઝનના બાકીના સમયગાળા માટે તેની YouTube ચેનલ પર CSK મેચોનું પ્રીવ્યૂ કે સમીક્ષા કરશે નહીં. પ્રસન્ના અગોરમ આ શોમાં નિયમિત મહેમાન છે અને અગાઉ દક્ષિણ આફ્રિકા અને RCB માટે વિશ્લેષક રહી ચૂક્યા છે. તેમણે અફઘાનિસ્તાનના નૂર અહેમદને પસંદ કરવાના CSKના નિર્ણયની ટીકા કરી. તેમણે કહ્યું કે જ્યારે ટીમે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સાથે સ્પિન આક્રમણને મજબૂત બનાવવાની યોજના બનાવી હતી, તો પછી બીજા સ્પિનરને લેવાની શું જરૂર હતી. તેમનું આ નિવેદન વિવાદનું કારણ બન્યું.

અગોરમનું માનવું હતું કે, ટીમે બીજા સ્પિનર કરતાં વધારાના બેટ્સમેનને ટીમમાં દાખલ કરવો જોઈતો હતો. CSKની સતત ત્રીજી હાર પછી સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હોવાથી ટિપ્પણી પછી વિડિઓ દૂર કરવામાં આવ્યો હતો. આમાં 2008 પછી RCB સામેની તેમની પહેલી ઘરઆંગણેની હાર અને 2010 પછી દિલ્હી કેપિટલ્સ સામેની તેમની પહેલી હારનો સમાવેશ થાય છે, જેના કારણે ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગઈ છે.
અશ્વિનની ચેનલના એડમિન દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગયા અઠવાડિયે આ ફોરમ પર થયેલી ચર્ચાઓના સ્વરૂપને જોતાં, અમે વસ્તુઓનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે તે અંગે સાવચેત રહેવા માંગીએ છીએ. તેથી અમે આ સિઝનના બાકીના સમય માટે CSK મેચોને આવરી ન લેવાનો નિર્ણય લીધો છે, પછી ભલે તે પૂર્વાવલોકન હોય કે સમીક્ષાઓ. અમે અમારા શોમાં આવતા વિવિધ દ્રષ્ટિકોણને મહત્વ આપીએ છીએ અને આ પ્લેટફોર્મની વિશ્વસનીયતા અને હેતુ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા મહેમાનો દ્વારા વ્યક્ત કરાયેલા મંતવ્યો અશ્વિનના વ્યક્તિગત મંતવ્યો પ્રતિબિંબિત કરતા નથી.’

શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે CSKનો રન-ચેઝ જ્યારે નિષ્ફળ ગયો ત્યાર પછી, કોચ સ્ટીફન ફ્લેમિંગને પૂછવામાં આવ્યું કે શું કોઈ ખેલાડીની યુટ્યુબ ચેનલ પર ટીમ વિશે કરવામાં આવેલી આવી ચર્ચાઓ અસ્વસ્થતાભરી પરિસ્થિતિનું કારણ બની શકે છે? ફ્લેમિંગે જવાબ આપ્યો, ‘મને કોઈ આ બાબતની જાણકારી નથી. મને ખબર પણ નહોતી કે તેની (અશ્વિન) કોઈ ચેનલ પણ છે, તેથી હું તે વસ્તુઓને ફોલો કરતો નથી. તે મારા માટે મહત્વ રાખતું નથી.’