fbpx

પાકિસ્તાન સાથે ‘નો ક્રિકેટ’ એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

Spread the love
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને પોતાના નિર્ણય બાબતે જાણ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ બાદ આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકામાં આયોજિત થનાર મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં થનારા પુરુષ એશિયા કપ ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં રહે.

BCCI

હાલમાં, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી, ACCની કમાન સંભાળી રહ્યા છે. મોહસીન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે. BCCIનો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલગ-થલગ પાડવાના પ્રયાસનો એક હિસ્સો છે. BCCI સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય ટીમ કોઈ પણ એવા ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં હોય, જેના આયોજનની જવાબદારી ACCની છે. આ દેશની ભાવના છે. અમે ACCને આગામી મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપમાંથી હટવા બાબતે મૌખિક જાણ કરી દીધી છે. અને ભવિષ્યમાં તેના કોઈપણ આયોજનમાં ભાગીદારી કરવામાં નહીં આવે. અમે આ મુદ્દા પર સતત ભારત સરકારના સંપર્કમાં છીએ.

BCCIના આ નિર્ણય બાદ સપ્ટેમ્બરમાં ભારતમાં આયોજિત થનારા એશિયા કપ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઇ ગયા છે. આ ઇવેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો હિસ્સો બનવાની હતી. બોર્ડના નજીકના જાણકારોએ જણાવ્યું હતું કે, BCCI ખબર છે કે ભારત વિના એશિયા કપનું આયોજન સંભાવ નથી કેમ કે, ઇવેન્ટના મોટાભાગના પ્રાયોજકો ભારતથી છે. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિના તેના આયોજનમાં બ્રોડકાસ્ટર્સને પણ કોઈ રસ નહીં હોય.

Asia Cup

વર્ષ 2024માં, સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (ESPNI)એ 170 મિલિયન અમેરિકન ડૉલરમાં એશિયા કપના આગામી 8 વર્ષના બ્રોડકસ્ટિંગ અધિકારો હાંસલ કર્યા હતા. જો ટૂર્નામેન્ટની આ સીઝન નહીં થાય તો ફરીથી આ ડીલ પર કામ કરવું પડશે. ACCના 5 ફુલ ટાઈમ મેમ્બર્સ- ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને બ્રોડકસ્ટિંગ રેવન્યૂનો 15-15 ટકા મળે છે. જ્યારે બાકીના પૈસા એસોસિએટ અને એફિલિએટ દેશોને મળે છે.

error: Content is protected !!