

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ સંસ્કૃત વિભાગના એક પેપરમાં મનુસ્મૃતિને સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. DUના વાઇસ ચાન્સેલર યોગેશ સિંહે કહ્યું કે, ‘અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. મનુસ્મૃતિને કોઈપણ કોર્સમાં ભણાવવામાં નહીં આવે.
ગયા વર્ષે પણ તેને કાયદાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો, ત્યારે પણ અમે તેને હટાવી દીધો હતો. આ વખત તેને સંસ્કૃત અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું હતું. જેવું જ તે અમારા ધ્યાનમાં આવ્યું, અમે તેને હટાવવાનો નિર્ણય લીધો. યુનિવર્સિટીએ આ મુદ્દા પર X પર પર એક નિવેદન પણ જાહેર કરતા કહ્યું કે, સંસ્કૃત વિભાગના ધર્મશાસ્ત્ર સ્ટડીઝ (DSC) કોર્સમાં, જ્યાં મનુસ્મૃતિને ‘રેકમન્ડેન્ડ રીડિંગ’ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું, તેને પૂરી રીતે હટાવી દેવામાં આવ્યું છે.

ગુરુવારે, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરીએ આ પગલાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘DUના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિને સામેલ કરવાનું શરમજનક છે. તેણે દલિતો, મહિલાઓ અને વંચિત વર્ગો વિરુદ્ધ જાતિગત ભેદભાવ અને અન્યાયનો પાયો નાખ્યો હતો. નોંધનીય છે કે આ વિવાદ બાદ, DUના આ નિર્ણયે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ચાલી રહેલી બહેસ વધુ ગરમાવી દીધી છે. ઘણા લોકો તેને યોગ્ય દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું માની રહ્યા હતા, જ્યારે કેટલાક તેને શૈક્ષણિક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવનારું પગલું બતાવવા લાગ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીના પહેલા સેમેસ્ટરના પાઠ્યક્રમમાં વિવાદિત હિન્દુ ગ્રંથ મનુસ્મૃતિને સામેલ કર્યા બાદ વિવાદ ઊભો થઈ ગયો હતો. ત્યારબાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર યોગેશ સિંહે તાત્કાલિક આ પ્રસ્તાવ પાછો લેવાનો નિર્ણય લીધો હતો. તે સમયે પણ તેને લઈને ખૂબ વિવાદ થયો હતો અને બાદમાં કુલપતિએ કહ્યું હતું કે, અકાદમીક કાઉન્સિલ સમક્ષ, અમારી પાસે સમિતિની અંદર પ્રસ્તાવ પર ચર્ચા કરવાની સિસ્ટમ છે, જ્યાં અમને જાણવા મળ્યું કે આ પ્રસ્તાવ મનુસ્મૃતિ માટે હતો. અમે તાત્કાલિક તેને નકારી કાઢ્યો અને દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો. અકાદમીક કાઉન્સિલમાં પણ કોઈ સભ્ય નહોતો, જે આ મનુસ્મૃતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માગતો હતો.