

ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે ટેરિફને લઈને બંને દેશો વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતિ બની શકી નથી. અમેરિકા 10 ટકા ટેરિફ જાળવી રાખવા માગે છે, જ્યારે ભારત ઈચ્છે છે કે ઘણા ક્ષેત્રોમાં લાગૂ 10 ટકા ટેરિફ શૂન્ય કરી દેવામાં આવે.

એવામાં બંને દેશોની અસહમતિ જોતા ભારત તરફથી આ ડીલના મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલે પોતાનો અમેરિકનો પ્રવાસ લંબાવી દીધો છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની શરતોને લઈને સહમતિ બની ચૂકી છે અને તેની જાહેરાત 8 જુલાઈએ થઈ શકે છે. ત્યારબાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો સારા રહેશે.

લેવિટે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નજીક છે અને જલદી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પતેની બાબતે અપડેટ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમેરિકાના પ્રવાસે છે. તેઓ અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 જુલાઈના રોજ દુનિયાભરના ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. પરંતુ ટેરિફ પર થયેલા હોબાળા બાદ અમેરિકાએ ઘણા દેશોને અસ્થાયી રાહત આપી હતી. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલા 26 ટકા રેસિપ્રોકલ ટેરિફને 9 જુલાઈ સુધી સ્થગિત કરી દીધો હતો. પરંતુ ભારત પરનો 10 ટકા બેઝલાઇન ટેરિફ હટાવ્યો નહોતો.
