fbpx

20 લીટર દૂધ આપતી ‘લાડલી’ ભેંસ જેટલી કિંમતે વેચાઈ, એટલી કિંમતમાં તો 3 કાર આવી જાય

Spread the love
20 લીટર દૂધ આપતી 'લાડલી' ભેંસ જેટલી કિંમતે વેચાઈ, એટલી કિંમતમાં તો 3 કાર આવી જાય

ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક, સાંસ્કૃતિક રીતે જ નહીં પણ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે. કચ્છમાં એક ભેંસની કિંમત લાખોમાં આંકાઈ છે. કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં બન્ની જાતિની એક ખાસ ભેંસ 14 લાખ 10 હજાર રૂપિયામાં વેચાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ભેંસનું વેચાણ છે. સામાન્ય રીતે કચ્છમાં 5 થી 7 લાખ સુધીના સોદા થતા હોય છે, ત્યારે આ સોદાએ સૌને ચોંકાવી દીધા છે. આ ભેંસના ઊંચા અને પહોળા કદ, જાડા અને ગાઢ શિંગડા અને કાળા ચમકદાર ચામડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Kutch Banni Buffalo

આ ભેંસ કચ્છના લખપત તાલુકાના સાંધ્રો ગામના પશુ સંવર્ધક ઝકારિયા જાટની હતી. તેમણે તેને ભુજ તાલુકાના સેરવા ગામના પશુ સંવર્ધક શેર મામદને વેચી દીધી છે. આ ભેંસનું નામ ‘લાડલી’ રાખવામાં આવ્યું છે. લાડલી દરરોજ લગભગ 20 લિટર દૂધ આપે છે. તેનો રંગ ઘેરો કાળો છે અને શરીર મજબૂત અને સ્વસ્થ છે, જેના કારણે તે દૂરથી ખાસ દેખાય છે.

Kutch Banni Buffalo

શેર મામદે જણાવ્યું કે, તેમણે આ ભેંસ ફક્ત દૂધ માટે જ નહીં, પરંતુ તેના વાછરડાઓની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ખરીદી છે. તેમનું કહેવું છે કે, બન્ની જાતિની ભેંસોમાંથી જન્મેલા વાછરડા પણ ઉત્તમ જાતિના હોય છે અને પછીથી તે સારી કિંમતે વેચાય છે. આ જાતિની બીજી ખાસિયત એ છે કે, તે કોઈપણ હવામાનમાં પોતાને અનુકૂળ કરી લે છે. કચ્છની 50 ડિગ્રી ગરમી હોય કે 2 ડિગ્રી ઠંડી, લાડલીનું દૂધ 10 થી 11 મહિના સુધી સતત આવતું રહે છે. આ જ કારણ છે કે તેની કિંમત આટલી ઊંચી છે.

Kutch Banni Buffalo

બન્ની જાતિના પશુપાલક રહેમતુલ્લાહ જાટે જણાવ્યું હતું કે, દૂધ આપવું એ આ જાતિની એક વિશેષતા છે, અસલી આવક તેમના વાછરડા વેચવાથી થાય છે. તેમણે જણાવ્યું હતું કે બન્ની જાતિની માંગ દરેક જગ્યાએ છે, પછી ભલે તે નર હોય કે માદા. આ ભેંસના વાછરડાઓને ઉછેરતા અને વેચતા પશુપાલકોને અનેક ગણો નફો મળે છે.

Kutch Banni Buffalo

હાલમાં લાડલી સાડા ત્રણ વર્ષની છે. તેના નવા માલિક શેર મામદે જણાવ્યું હતું કે, જ્યારે લાડલી માત્ર 12 મહિનાની હતી, ત્યારે તેણે તેને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને 3.5 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર હતો. પરંતુ તે સમયે માલિકે ભેંસ વેચી ન હતી. ત્યાર પછી, અમદાવાદના પ્રભાત ભાઈ રબારીએ લાડલીને 7 લાખ રૂપિયામાં ખરીદી. ત્યારપછી, લખપતના માલિકે અમદાવાદથી ભેંસને 10 લાખ 11 હજાર રૂપિયામાં ખરીદી.

error: Content is protected !!