

આ 15 ઓગસ્ટ ભારતીય સિનેમાની કલ્ટ ફિલ્મ ‘શોલે’ની રીલિઝની 50મી વર્ષગાંઠ છે. ફિલ્મની 50મી વર્ષગાંઠ પર રમેશ સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે ટોરોન્ટોમાં પ્રીમિયર થશે. ફિલ્મનું 4K વર્ઝન અમેરિકામાં દર્શકો માટે ઉપલબ્ધ થશે. ફિલ્મ સાથે જોડાયેલા આટલા મોટા સમાચાર આવ્યા બાદ આ ફિલ્મને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. એવામાં, ચાલો જાણીએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત વાતો, જે તમને અહેસાસ અપાવશે કે આ ફિલ્મ કલ્ટ કેમ બની.

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને અમજદ ખાનની આ ફિલ્મ ભારતમાં લગભગ 2000થી વધુ દિવસો સુધી ચાલી હતી. ઘણી સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી મેળવનારી આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ જોવાઈ હતી. આ ફિલ્મ મધ્ય-પૂર્વ અને સોવિયેત યુનિયનમાં ખૂબ પ્રશંસા પામી હતી. રાજ કપૂર સોવિયેત સંઘ સુધી બોલિવુડ ફિલ્મોનો ક્રેઝ પહોંચાડનારા પહેલા એક્ટર હતા. તેમના વર્ષો બાદ ‘શોલે’ માટે પણ આવી જ દીવાનગી જોવા મળી હતી.
આ દરમિયાન, સોવિયેત સંઘમાં ‘શોલે’એ લાખો લોકોને પોતાના ફેન બનાવી લીધા હતા. તેના ડબ પ્રિન્ટસ માટે અંડરગ્રાઉન્ડ ફેન ક્લબ પણ બનાવવામાં આવ્યા હતા. આ ફેન્સ ‘શોલે’ના ડાયલોગ્સ પણ રટી ચૂક્યા હતા. તેઓ તૂટેલી-ફૂટેલી હિન્દીમાં ‘બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના’ જેવા નારા પણ લગાવવા લાગ્યા હતા.

આટલું જ નહીં, ત્યારબાદ વર્ષ 1979માં પાકિસ્તાનમાં રીલિઝ થયેલી મૌલા જટ્ટ જેવી ફિલ્મો પણ આ ફિલ્મથી પ્રેરિત થઈ હતી. એટલું જ નહીં, તુર્કી જેવા દેશોએ પણ આ ફિલ્મથી પ્રેરણા લીધી અને પોતાના દેશમાં એક્શન ફિલ્મો બનાવવાની ચાલુ કરી દીધી. તે જમાનામાં ‘શોલે’ને 3 કરોડ રૂપિયાના ખૂબ જ મોંઘા બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે તેના બજેટ કરતા લગભગ 12 ગણી કમાણી કરી હતી. તે દિવસોમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 35 કરોડ હતું, જે 1994માં ‘હમ આપકે હૈ કૌન’ રીલિઝ થઈ ત્યાં સુધી સૌથી વધુ કલેક્શન રહ્યું હતું.
