
ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ ODI ટીમની કેપ્ટનશીપને લઈને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. રોહિત શર્માને હટાવીને શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા પછી BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. કેપ્ટન તરીકેની પોતાની છેલ્લી મેચમાં, રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો.

રોહિત ઉપરાંત, વિરાટ કોહલી વિશે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. બંનેની પસંદગી ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે કરવામાં આવી છે, પરંતુ 2027 ODI વર્લ્ડ કપમાં તે બંનેનું રમવું લગભગ અનિશ્ચિત છે. જોકે બંને ખેલાડીઓએ વારંવાર 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે, પરંતુ એવું લાગે છે કે, પસંદગીકારોની યોજનાઓ હવે બદલાઈ ગઈ છે. સિનિયર ખેલાડીઓ પોતાનું ફોર્મ સાબિત કરવા માટે વિજય હજારે ટ્રોફીમાં રમે તેવી BCCI અપેક્ષા રાખી રહ્યું છે.

આ ઉથલપાથલ અંગે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસને આશંકા વ્યક્ત કરી છે કે, આ ઝઘડા વચ્ચે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ શકે છે. એક સ્પોર્ટ ચેનલ પર પોતાનું મંતવ્ય આપતા હાર્મિસને કહ્યું, ‘દુર્ભાગ્યવશ, મને લાગે છે કે અજિત અગરકર માટે આ એક અત્યંત દુઃખભર્યો અંત હોઈ શકે છે. જો કોઈ અહીં જીતવા જઈ રહ્યું છે, તો મને લાગે છે કે તે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર (અગરકર)ને બદલે ભૂતપૂર્વ કેપ્ટન (રોહિત) હશે. પરંતુ તે બધું એ વાત પર નિર્ભર કરે છે કે, શું અગરકર કોહલી અને શર્મા વચ્ચે આગ લાગેલી આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા છે. જો એમ હોય, તો તમારા કાર્ડ ટેબલ પર મૂકી દો અને જુઓ આગળ શું થાય છે.’

ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કોહલી ઉત્તમ ફોર્મમાં હતો. તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ધીમી શરૂઆત પછી, રોહિતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મેચ વિજેતા ઇનિંગ રમી હતી. તેણે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. હાર્મિસને આગળ સંભવિત ઘર્ષણનો સંકેત આપતા કહ્યું હતું કે, ODI ક્રિકેટમાં કોહલીનો પ્રભાવ અને વારસો રોહિત કરતાં ઘણો વધારે છે. તેમણે ચેતવણી આપી હતી કે, કોહલીને સાઈડ પર કરી દેવાથી ભારત માટે વિપરીત પરિણામ પણ આવી શકે છે.

હાર્મિસને કહ્યું, ‘મને લાગે છે કે અહીં કોહલીનું વજન થોડું વધારે છે. તેની પાસે ઘણા રન છે, તેની પ્રતિષ્ઠા છે. રોહિત શર્મા પાસે એટલા બધા નથી. રોહિત થોડો ઉંમરમાં મોટો છે. 50 ઓવરની ક્રિકેટમાં જેટલો વિરાટ અસરકારક રહ્યો છે તેટલો રોહિત અસરકારક રહ્યો નથી. જો વિરાટ ફરીને કહે, ‘ઠીક છે, તમે મારા વગર 50 ઓવરનો વર્લ્ડ કપ રમો અને ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ સામે 350 રનનો પીછો કરતી વખતે, તમારી પાસે 90ની સરેરાશથી રન બનાવતો ખેલાડી નહીં હોય, તો જુઓ કે તમારી ટીમ ક્યાં જાય છે, આ રીતે તે બાબતો ટીમને અસ્ત વ્યસ્ત કરી શકે છે.’

