ઉત્તર પ્રદેશના ગોવર્ધનમાં મંદિરમાં દાનમાં આવેલી 1 કરોડ 9 લાખ રૂપિયાની રકમ લઈને પૂજારી ફરાર થઈ ગયો. તે બેંકમાં પૈસા જમા કરાવવા નીકળ્યો હતો, પરતું પછી તે ન બેંક પહોંચ્યો અને ન તો મંદિર પાછો ફર્યો. પૂજારીનો ફોન બંધ આવી રહ્યો છે. મંદિર મેનેજમેન્ટે આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ ગોવર્ધન પોલીસ અને મંદિર પ્રશાસન ગાયબ પૂજારીની શોધખોળ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ગોવર્ધન પોલીસ સ્ટેશન ક્ષેત્રના મુખ્ય મંદિર માનસી ગંગા મુકુટ મુખારવિંદના પૂજારી પર 1,09,37,200 રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ લગાવવવામાં આવ્યો હતો. તેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં મંદિર સંચાલક વિનોદ કૌશિકે કહ્યું હતું કે સોમવારે મંદિરની રકમ લગભગ 1 કરોડ 9 લાખ રૂપિયા લઈને પૂજારી દિનેશ ચંદ્ર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવા ગયો હતો.
આરોપી પૂજારી ગોવર્ધનના દસવિસાનો રહેવાસી છે. તેણે છેતરપિંડી કરતા મંદિરની રકમ બેંકમાં જમા ન કરી અને બધા પૈસા લઈને ફરાર થઈ ગયો. ત્યારબાદ તેનો ફોન બંધ છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આરોપીના ઘરથી 71 લાખ 92 હજાર રૂપિયા જપ્ત કરી લીધા છે. આ નોટ કોથળામાં ભરેલા હતા. તેની સાથે જ બાકી રકમની તપાસ કરવામાં આવી રહી છે.
આ આખી ઘટનાને લઈને SP દેહાત ત્રિગુણ વિસેને ફોન પર જણાવ્યું કે, આરોપીની ધરપકડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેની પત્નીએ પોલીસને સૂચના આપીને ઘર પરથી પૈસાની રિકવરી કરાવી છે. ત્યાંથી 72 લાખ રૂપિયા મળ્યા છે. અત્યારે આરોપી ફરાર છે. મંદિર રીસિવરે જણાવ્યું કે, અત્યારે જે બાકી પૈસા બચ્યા છે, તેની તપાસ ચાલી રહી છે, જે પણ પૈસા બચ્યા છે, જલદી જ રિકવરી માટે જે પણ ઉચિત કાર્યવાહી હશે, કોર્ટના આદેશાનુસાર કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપી ક્યાં ગયો છે તેની જાણકારી મળી શકે. સાથે જ આરોપીના લોકેશનની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.